PEDRO PARDO / AFP

કોરોના મહામારીનું રિપોર્ટિંગ કરતા પત્રકારોની સુરક્ષા માટે સીપીજેની ખાસ સૂચના

20 મે, 2021 મુજબની અદ્યતન માહિતી

આખા વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયેલા કોવિડ-19 (નોવેલ કોરોનાવાયરસ)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા- WHO)એ 11 માર્ચ, 2020ના રોજ વૈશ્વિક મહામારી ઘોષિત કરી દીધો હતો. સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ રોજેરોજ બદલાઈ રહી છે અને ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર જેમ જેમ કોરોનાવાયરસના ભિન્ન ભિન્ન પ્રકાર અંગે જાણકારી મળી રહી છે, અને કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ગતિ પકડી રહ્યો છે તેમ તેમ જુદા જુદા દેશો પ્રવાસ તથા સુરક્ષા અંગેના નિયમો-માપદંડોમાં ફેરફાર કરી રહ્યા છે.

સીપીજેએ નોંધ્યું છે કે ઘણા દેશોમાં સત્તાધીશોએ કોરોના અંગેના સ્વતંત્ર રિપોર્ટિંગ અને માહિતી મેળવવાના પત્રકારોના અધિકાર પર તરાપ મારવાની કોશિશ કરી છે. આમ છતાં મહામારી અંગે અને તેને નાથવાના સરકારના પ્રયત્નો અંગે લોકો સુધી માહિતી પહોંચાડવામાં આખા વિશ્વના પત્રકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સીપીજીએ કરેલા પત્રકારોના ઈન્ટરવ્યુમાં એ પણ જાણવા મળ્યું છે કે મીડિયાના સભ્યો ખૂબ જ દબાણ અને તણાવમાં કામ કરી રહ્યા છે. કામ માટે કરવા પડતા પ્રવાસ, લોકોને મળીને કરવા પડતા ઈન્ટરવ્યુ અને વિવિધ જગ્યાઓની મુલાકાતને કારણે તેમને ઈન્ફેક્શન લાગવાનો ભય રહેલો છે. સીપીજેએ તાજેતરમાં જાહેર કરેલા અહેવાલ મુજબ કોવિડ-19ને કારણે પત્રકારોએ નિયંત્રણો, અટકાયત, શારીરિક અને ઓનલાઈન હેરાનગતિ અને રોજગારી ગુમાવવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે.

કોરોના મહામારીનું રિપોર્ટિંગ કરતા પત્રકારોએ મહામારી અંગેની છેલ્લામાં છેલ્લી સલાહ અને પાબંધીઓની માહિતી માટે WHO તથા સ્થાનિક આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિગતો પર ધ્યાન આપવું જોઈએ. મહામારીની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી કોરોનાવાયરસ રિસોર્સ સેન્ટર એક સુરક્ષિત અને ભરોસાપાત્ર સ્રોત છે.

ફિલ્ડમાં સુરક્ષિત કેવી રીતે રહેશો?

કોરોનાને પગલે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની પાબંધીઓ અને સુરક્ષાને લગતા નિયમોમાં વારંવાર ફેરફાર થયા કરે છે. તેનો અર્થ એમ પણ થાય છે કે તમારું એસાઈનમેન્ટ કોઈપણ આગોતરી જાણ વિના બદલાઈ શકે છે અથવા તો કેન્સલ પણ થઈ શકે છે.

જે મીડિયાકર્મીઓએ રસી લીધી હોય તેમણે નોંધવું જોઈએ કે યુ.એસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર તેઓ પણ વાયરસ ફેલાવી શકે છે. યેલ મેડિસિનના જણાવ્યા મુજબ જુદી જુદી રસીઓ વાયરસના જુદા જુદા પ્રકાર સામે અલગ અલગ પ્રતિરોધક ક્ષમતા આપે છે. આથી રસી લીધા પછી પણ ચહેરા પર માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જેવા નિયમોને વળગી રહેવું જોઈએ.

જે પત્રકારો કોવિડ-19નું રિપોર્ટિંગ કરવા માંગતા હોય તેમણે સુરક્ષા માટે નીચે જણાવ્યા મુજબની માહિતી અચૂક ધ્યાનમાં લેવી જોઈએ. 

અસાઈનમેન્ટ પૂર્વેઃ

  • જો તમારા માટે સુરક્ષિત હોય અને ઉપલબ્ધ હોય તો કોઈ પણ એસાઈનમેન્ટ પહેલા કોવિડ-19ની રસી લઈ લો. ખાસ કરીને તમે એવા વિસ્તારમાં કામ કરતા હોવ અથવા તો એવા વિસ્તારની મુલાકાત લેવાના હોવ જેમાં કેસ વધારે હોય તો તમારે રસી લેવાને પ્રાધાન્ય આપવું જોઈએ.
  • તમે જે લોકેશન પર કામ કરી રહ્યા છો અથવા તો જ્યાં જવાના છો ત્યાં કેટલા કેસ છે તેને આધારે રૂબરૂ મળવાને બદલે ફોન કે ઓનલાઈન ઈન્ટરવ્યુ ગોઠવી શકાય છે. આમ કરવાથી કોરોના ફેલાવવાનું કે ઈન્ફેક્શન લાગવાનું જોખમ ઓછું કરી શકાય છે.
  • CDCના જણાવ્યા મુજબ વૃદ્ધ લોકો અને ડાયાબિટીસ કે સ્થૂળતા જેવી સમસ્યા ધરાવતા લોકોને ઈન્ફેક્શન લાગવાનું જોખમ વધારે છે. જો તમે આ શ્રેણીમાં આવતા હોવ તો કોરોનાના કેસની સંખ્યાને આધારે તમારે એવું કોઈ પણ એસાઈનમેન્ટ હાથ ન ધરવું જોઈએ જેમાં તમારો લોકો સાથે સીધો સંપર્ક થાય. જે જે કર્મચારીઓ ગર્ભવતી હોય તેમના માટે પણ આ લાગુ પડે છે.

કોવિડ-19 મહામારીના રિપોર્ટિંગ માટે સ્ટાફની પસંદગી કરતી વખતે મેનેજમેન્ટે ધ ન્યુ યોર્ક ટાઈમ્સના દર્શાવ્યા મુજબ અમુક રાષ્ટ્રીયતા ધરાવતા લોકો પર વંશીય હુમલો થવાની સંભાવનાને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

  • મહામારીના સમયમાં વિશ્વભરમાં પ્રવાસ પરના નિયંત્રણો તથા લોકડાઉનના નિયમોમાં નજીવી કે નહિવત્ પૂર્વ ચેતાવણી સાથે ફેરફાર થઈ શકે છે. આથી જો તમે ક્વોરન્ટાઈન કે લોકડાઉન ઝોનમાં લાંબા ગાળા માટે અટવાઈ જાવ, એસાઈનમેન્ટ કરતી વખતે માંદા પડો કે તમારે સેલ્ફ-આઈસોલેશનમાં જવાની ફરજ પડે તો તમારી મેનેજમેન્ટ ટીમ તેમાં શું મદદ કરી શકે, અથવા તો શું સહકાર આપી શકે તેની ચર્ચા કરી લો.

માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટેઃ

  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રોઈટર્સ ઈન્સ્ટિટ્યુટના જણાવ્યા મુજબ અનુભવી પત્રકાર પણ કોવિડ-19નું રિપોર્ટિંગ કરતી વખતે માનસિક સમસ્યાઓનો ભોગ બની શકે છે. મેનેજમેન્ટે સમયાંતરે તેમના પત્રકારો પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરી રહ્યા છે તેના પર નજર રાખવી જોઈએ અને જરૂર પડે તો માર્ગદર્શન અને ટેકો પણ આપવો જોઈએ.
  • કોવિડ-19 ગ્રસિત વિસ્તાર કે સ્થળનું રિપોર્ટિંગ કરનાર પત્રકારના માનસ પર તેની ઊંડી અસર પડી શકે છે. ખાસ કરીને તેઓ મેડિકલ કે આઈસોલેશન ફેસિલિટી કે લોકડાઉન ધરાવતા વિસ્તારમાંથી રિપોર્ટિંગ કરતા હોય તો તેમના માનસ પર વાતાવરણની અસરને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. ધ ડાર્ટ સેન્ટર ફોર જર્નાલિઝમ એન્ડ ટ્રોમા આઘાતજનક પરિસ્થિતિઓનું રિપોર્ટિંગ કરતા મીડિયાકર્મીઓ માટે મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો અગત્યનો સ્રોત છે. બાહ્ય સુરક્ષાના સ્રોત માટે તમે સીપીજેના ઈમર્જન્સી પેજની મુલાકાત લઈ શકો છો. તેમાં કોવિડ-19નું રિપોર્ટિંગ કરતા પત્રકારો માનસિક રીતે સ્વસ્થ રહેવા શું કરી શકે તેની વિગતો પણ છે. 

પોતાને ચેપ લાગતો અટકાવવા અને બીજાને પોતાનાથી ચેપ ન લાગે તે માટે શું કરશો?

મોટા ભાગના દેશો હાલ સામાજિક તથા શારીરિક અંતર જાળવવાના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. જો કે તમે કયા દેશમાં છો તેના આધારે તમારે કેટલું અંતર જાળવવું જોઈએ તેના માપદંડ બદલાઈ શકે છે. જો તમે નીચે જણાવેલમાંથી કોઈપણ હાઈ-રિસ્ક લોકેશન ઉપર રિપોર્ટિંગ કરતા હોવ તો તમારે તે જગ્યાએ સ્વચ્છતા જાળવવા માટે કયા અને કેવા પગલા લેવાય છે તેની પૂછપરછ કરી લેવી જોઈએ. જો તમને કોઈ આશંકા હોય તો તમારે તે સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ.

  • કોઈપણ પ્રકારની હેલ્થકેર ફેસિલિટી (હોસ્પિટલ, દવાખાનું વગેરે)
  • વૃદ્ધોની સારસંભાળ રાખતી જગ્યા, વૃદ્ધાશ્રમ
  • એવું કોઈપણ ઘર જેમાં કોઈ બીમાર, વૃદ્ધ, ગર્ભવતી હોય કે પછી ઘરના કોઈ સભ્યને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય
  • શબઘર, સ્મશાન, કબ્રસ્તાન વગેરે.
  • ક્વોરન્ટાઈન, આઈસોલેશન અથવા લોકડાઉન ઝોન

ચેપ લાગતો અટકાવવા માટેની પ્રમાણભૂત ભલામણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

  • કોવિડ-19ની ગાઈડલાઈન્સમાં જણાવ્યા મુજબ બધા સાથે સુરક્ષિત અંતર જાળવો. સ્થાનિક સત્તાધીશોની સલાહ મુજબ અંતર કેટલું હોવું જોઈએ તેના માપદંડ બદલાઈ શકે છે. જો કોઈ વ્યક્તિને શ્વસનતંત્રને લગતી કોઈ તકલીફ કે બીમારી જણાય તો તમારે વિશેષ કાળજી રાખવી જોઈએ. જેમ કે કોઈને શરદી, કફ કે ઉધરસ હોય, છીંક આવતી હોય અથવા તો કોઈ વૃદ્ધનો કે પછી સ્વાસ્થ્યની સમસ્યા ધરાવનાર વ્યક્તિનો ઈન્ટરવ્યુ કરવાનો હોય, કોરોના લક્ષણ ધરાવનાર વ્યક્તિના પરિવારના કોઈ સભ્યને મળવાનું હોય, કોવિડ-19ની સારવાર કરનાર હેલ્થ વર્કરને મળવાનું હોય, દર્દીઓને કે હાઈ રિસ્ક લોકેશન પર કામ કરતા કર્મચારીઓને મળવાનું હોય ત્યારે પત્રકારોએ સવિશેષ તકેદારી રાખવી જોઈએ.
  • શક્ય હોય તો લોકોના ઈન્ટરવ્યુ ખૂલ્લી જગ્યામાં કરવા જોઈએ. જો તમારે બંધ દરવાજે ઈન્ટરવ્યુ કરવો પડે તેમ હોય તો એવી જગ્યા પસંદ કરો જ્યાં હવાની અવરજવર શક્ય હોય (દા.ત બારી ખુલ્લી રાખી શકાય). નાની અને બંધ જગ્યાઓએ જવાનું ટાળો.
  • લોકો સાથે હાથ મિલાવવાનું, તેમને ભેટવાનું કે ચૂમવાનું ટાળો.
  • ઈન્ટરવ્યુ વખતે સામી વ્યક્તિની એકદમ સામે ઊભા રહેવાને બદલે થોડા ખૂણે ઊભા હેવાની કોશિશ કરો. અન્ય વ્યક્તિઓથી હંમેશા સુરક્ષિત શારીરિક અંતર જાળવો.
  • તમારા હાથ ગરમ પાણીનો અને સાબુનો ઉપયોગ કરીને 20 સેકન્ડ સુધી નિયમિત સમયાંતરે, યોગ્ય રીતે અને ભારપૂર્વક ધોતા રહો. હાથ યોગ્ય રીતે સૂકાય તેની કાળજી લો. તમારા હાથ કેવી રીતે ધોવા અને સૂકાવા જોઈએ તેનું સચોટ માર્ગદર્શન તમને Whoની વેબસાઈટ પર મળી જશે.
  • જો સાબુ અને ગરમ પાણી ઉપલબ્ધ ન હોય તો એન્ટિ-બેક્ટેરિયલ જેલ કે વાઈપ્સનો ઉપયોગ કરો. શક્ય તેટલું જલ્દી ગરમ પાણી અને સાબુથી હાથ ધૂઓ. (CDC ભલામણ કરે છે કે 60 ટકાથી વધુ ઈથેનોલ અથવા તો 70 ટકાથી વધુ આઈસોપ્રોપેનોલ હોય તેવા આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો.) જ્યાં સુધી હાથ ધોવાનું શક્ય હોય ત્યાં સુધી હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું ટાળો.
  • ઉધરસ કે છીંક આવે ત્યારે તમારુ મોં અને નાક ઢાંકી દો. જો તમે એ માટે ટિશ્યુ પેપરનો ઉપયોગ કર્યો હોય તો તેનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરી દો. ત્યાર પછી તમારા હાથ યોગ્ય રીતે ધોવાનું ભૂલતા નહિ.
  • જેનો બીજા લોકોએ ઉપયોગ કર્યો હોય એવા કપ, ક્રોકરી કે વાસણોમાં ખાવા-પીવાનું ટાળો.
  • તમારા વાળ હંમેશા ઢાંકીને રાખો. વાળ લાંબા હોય તો તેને ઉપર બાંધીને રાખો.
  • કોઈ પણ એસાઈનમેન્ટ પહેલા તમારા બધા જ ઘરેણા અને ઘડિયાળ કાઢી નાંખો. એવું નોંધવામાં આવ્યું છે કે કોવિડ-19 વાયરસ અનેક પ્રકારની સપાટીઓ પર જુદા જુદા સમયગાળા માટે જીવિત રહી શકે છે.
  • જો તમે ચશ્મા પહેરતા હોવ તો તેમને નિયમિત રીતે ગરમ પાણી અને સાબુનો ઉપયોગ કરી સાફ કરતા રહો.
  • એસાઈનમેન્ટ માટે તમે કેવા કપડા પહેરશો તેની પસંદગી પણ સમજી-વિચારીને કરો. અમુક પ્રકારના કાપડ બીજાની સરખામણીએ સરળતાથી સાફ કરી શકાય છે. એસાઈનમેન્ટ પછી તમારા કપડાને ઊંચા તાપમાન ધરાવતા પાણીમાં ડિટર્જન્ટ સાથે ધોવા જોઈએ.
  • શક્ય હોય ત્યાં સુધી એસાઈનમેન્ટ દરમિયાન રોકડનો ઉપયોગ કરવાનું ટાળો. તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, વોલેટ કે પર્સને નિયમિત સમયાંતરે ચોખ્ખા કરવાનું ભૂલશો નહિ. તમારા હાથ ખિસ્સામાં મૂકવાનું ટાળો.
  • તમે એસાઈનમેન્ટ માટે જતી અને આવતી વખતે કયા વાહનનો ઉપયોગ કરશો તે વિચારી લો. શક્ય હોય ત્યાં સુધી પીક-અવર્સ એટલે કે ખૂબ જ ભીડ રહેતી હોય એ ગાળા દરમિયાન જાહેર વાહનોનો ઉપયોગ કરવાનો ટાળો. વાહનમાંથી ઉતરતી વખતે હાથ ઉપર આલ્કોહોલ જેલ લગાવવાનું ભૂલશો નહિ.
  • જો તમે તમારા પોતાના કે કંપનીના વાહનમાં મુસાફરી કરતા હોવ તો ધ્યાન રાખો કે વાહનની અંદર કોઈ પેસેન્જરને ચેપ લાગ્યો હોય તો તે બીજાને પણ ઈન્ફેક્શન લગાવી શકે છે. આથી બારી ખૂલ્લી રાખો જેથી આખા વાહનમાં સતત સારી હવા આવતી રહે. વાહનમાં ચહેરાને ઢાંકો અને ફેસ માસ્ક અચૂક પહેરો.
  • કામ કરતા કરતા નિયમિત બ્રેક લો. તમારું એનર્જી લેવલ એટલે કે કામ કરવાની સ્ફૂર્તિ કેવી રહે છે, તમને કેટલો થાક લાગે છે તેના પર નજર રાખતા રહો. એવું નોંધવામાં આવ્યું છે કે થાકી ગયેલા લોકો હાઈજિન જાળવવાની બાબતમાં ભૂલ કરી બેસે તેવી વધુ સંભાવના છે. આ ઉપરાંત કામ પહેલા કે પછી તમારે લાંબા અંતર સુધી ડ્રાઈવ કરવાનું હોય તો તે બાબતને પણ ધ્યાનમાં લો.

મેડિકલ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)

તમારા એસાઈનમેન્ટના પ્રકારના આધારે મીડિયાકર્મીઓએ સુરક્ષિત રિપોર્ટિંગ કરવા માટે વિવિધ પ્રકારના મેડિકલ PPE પહેરવા પડી શકે છે. તેમાં ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક, પ્રોટેક્ટિવ એપ્રન, પગથી માથુ ઢંકાય તેવા કપડા, બોડી સૂટ્સ અને ડિસ્પોઝેબલ શૂ કવરનો સમાવેશ થાય છે.

PPE સુરક્ષિત રીતે પહેરવા અને કાઢવા માટે સુરક્ષાને લગતા નિયમોનું ખૂબ જ ચુસ્ત રીતે પાલન થવું જોઈએ. આ માટે CDCએ આપેલા સામાન્ય માર્ગદર્શન અંગેની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો. PPE પહેરતી કે કાઢતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ. આ સમયે ચેપ લાગવાની શક્યતા સૌથી વધારે રહેલી હોય છે. તમને કોઈ શંકા હોય તો તમે નિષ્ણાંતનું માર્ગદર્શન લઈ શકો છો અથવા તો એસાઈનમેન્ટ પહેલા તેમની પાસે તાલીમ લઈ શકો છો.

એ વાતની નોંધ લો કે અમુક દેશમાં સારી ગુણવત્તાની PPE કિટની અછત હોઈ શકે છે. આથી તેનો ઉપયોગ કરવાથી તંગી સર્જાઈ શકે છે.

  • ખાતરી કરો કે તમે જે PPEનો ઉપયોગ કરો છો તેની સાઈઝ તમારા માટે એકદમ યોગ્ય હોય. ખરાબ ફિટિંગ ધરાવતી PPE ફાટી શકે છે અથવા તો (જો બહુ ટાઈટ હોય તો) તમારું હલન-ચલન મર્યાદિત બનાવી શકે છે, અને જો  (જો બહુ ઢીલી હોય તો) દરવાજાના હેન્ડલ જેવી વસ્તુમાં ભરાઈને ફાટી શકે છે.
  • હંમેશા પ્રચલિત બ્રાન્ડની  PPEનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. સુરક્ષા માટે કમસેકમ શું જરૂરી છે તેના પર ધ્યાન આપીને PPEની પસંદગી કરો. નકલી કે ખરાબી ધરાવતી આઈટમ્સથી ચેતતા રહો. તમને અહીં PPE માટેની કેટલી અગ્રણી અને નામના ધરાવતી બ્રાન્ડની માહિતી મળી જશે.
  • તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલીટી જેવી ચેપ ફેલાયો હોય એવી જગ્યાની મુલાકાત લેતા હોવ તો પ્રોટેક્ટિવ ગ્લોવ્ઝનો ઉપયોગ કરો. નાઈટ્રાઈલ ગ્લોવ્ઝ લેટેક્સ ગ્લોવ્ઝની સરખામણીએ વધારે સુરક્ષિત છે. બે જોડ ગ્લોવ્ઝ પહેરવાથી વધુ સુરક્ષા મળે છે.
  • મેડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટી જેવા હાઈ-રિસ્ક લોકેશન પરથી તમે રિપોર્ટિંગ કરતા હોવ તો તમને વધારાના PPE જેવા કે પગથી માથુ ઢંકાય તેવા બોડી સૂટ, ફેસ માસ્ક વગેરેની અવશ્ય જરૂર પડશે.
  • આખું શરીર ઢંકાય તેવા PPE પહેરતા પૂર્વે યાદ રાખીને બાથરૂમનો ઉપયોગ કરી લો.
  • એસાઈનમેન્ટના પ્રકારના આધારે તમારે ડિસ્પોઝેબલ જોડા કે પછી વોટરપ્રૂફ ઓવરશૂઝ પહેરવાની જરૂર પડી શકે છે. તમે લોકેશન છોડો તે પહેલા તેને ખૂબ જ ચોકસાઈથી સાફ કરવા જોઈએ કે ધોવા જોઈએ. જો તમે વોટરપ્રૂફ ઓવરશૂઝનો ઉપયોગ કરતા હોવ તો સ્થળ છોડતા પહેલા તેનો સુરક્ષિત રીતે નિકાલ કરવાનું ભૂલશો નહિ.
  •  અમે ભલામણ કરીએ છીએ કે PPE કોઈ તાલીમ પામેલા પ્રોફેશનલની નજર હેઠળ જ પહેરવી કે ઉતારવી જોઈએ. પહેરતી કે ઉતારતી વખતે બેદરકારી રહે તો ચેપ લાગવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. CDCએ PPE પહેરવા અને કાઢવા માટે એક વીડિયો બનાવ્યો છે જે તમને મદદરૂપ થઈ શકે છે. જો કે આ વીડિયો એ તાલીમ કે પ્રોફેશનલના સુપરવિઝનના રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગમાં ન લેવો જોઈએ. 
  • સિંગલ યુઝ PPE જેવા કે ગ્લોવ્ઝ, બોડી સૂટ્સ, એપ્રન અથવા તો શૂઝ કવરનો ક્યારેય પણ ફરી ઉપયોગ ન કરવો જોઈએ. કોઈપણ ચીજ ફરી વાપરવી પડે તો તેને એકદમ યોગ્ય રીતે ચેપ મુક્ત અને સેનિટાઈઝ કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે લોકેશન છોડીને જાવ તે પહેલા ચેપ લાગ્યો હોય તેવા PPEનો યોગ્ય રીતે નિકાલ થાય.

ફેસ માસ્કઃ

જે મીડિયાકર્મીઓ લોકોને મળીને, બંધ કે નાની જગ્યામાં અથવા તો જોખમી જગ્યાએ જઈને રિપોર્ટિંગ કરતા હોય તેમના માટે યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે. તમને એ વાતની જાણ હોવી જોઈએ કે બંધ જગ્યામાં હવામાં વાયરસ ધરાવતા ટીપાની સંખ્યા વધુ હોવાની શક્યતા ખૂબ વધારે હોય છે જેને કારણે તમને ચેપ લાગવવાની સંભાવના વધી જાય છે.

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે માસ્કનો યોગ્ય ઉપયોગ નહિ કરો તો માસ્ક ઈન્ફેક્શન ફેલાવવાનો એક સ્રોત પણ બની શકે છે. લેન્સેટ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે એક્સપોઝર બાદ ચેપ ફેલાવી શકે તેવો વાયરસ સાત દિવસ સુધી સર્જિકલ માસ્ક ઉપર મોજૂદ રહી શકે છે. આ અભ્યાસના આધારે માસ્ક કાઢવાથી, તેનો ફરી ઉપયોગ કરવાથી અથવા તો માસ્ક પહેરતી વખતે ચહેરાને અડ્યા કરવાથી ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે.

જો તમે માસ્ક પહેરતા હોવ તો તમારે નીચેની સલાહ અવશ્ય ધ્યાનમાં લેવી જોઈએઃ

  • જો તમે બંધ જગ્યામાં રિપોર્ટિંગ કરતા હોવ, બીજા કરતા નજીકના અંતર ઉપર હોવ અથવા તો જોખમી વિસ્તારમાં હોવ તો તમારે સર્જિકલ માસ્કની જગ્યાએ N95 (અથવા તો FFP2/FFP3) માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
  • ખાતરી કરો કે માસ્ક તમારા નાક અને દાઢીના ભાગમાં વ્યવસ્થિત ફિટ થતું હોય અને તેની વચ્ચે કોઈ જગ્યા ન રહેતી હોય.
  • ફેસ માસ્ક સુરક્ષાના નિયમોને વળગી રહો. તમારી માસ્કના આગળના ભાગને અડવાનું ટાળો. તેને પટ્ટીના ભાગથી જ કાઢો. જો ખૂબ જ જરૂરી ન હોય તો માસ્કને એડજસ્ટ કરવાનું પણ ટાળો. તમે જેટલી વખત માસ્કનો સ્પર્શ કરો તેટલી વખત હાથ ઘસીને ધૂઓ.
  • માસ્કનો ફરી ઉપયોગ કરવાથી જોખમ ખૂબ જ વધી શકે છે. માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો સીલબંધ બેગમાં નિકાલ કરી દો.
  • જો માસ્ક સહેજ પણ ભીનુ કે ભેજવાળુ લાગે તો તેને તરત જ નવા, સ્વચ્છ અને કોરા માસ્કથી રિપ્લેસ કરી દો.
  • યાદ રાખો કે માસ્કનો ઉપયોગ કરવો એ સુરક્ષા જાળવવાનો ફક્ત એક રસ્તો છે. માસ્ક પહેર્યા પછી પણ તમારે નિયમિત સાબુ અને ગરમ પાણીથી હાથ ધોવા, આંખ, મોં, કાન વગેરે ચહેરાના ભાગનો સ્પર્શ ટાળવો જેવા નિયમોનું પાલન જરૂરી છે.
  • ધ્યાન રાખો કે તમે જે લોકેશન પર છો ત્યાં ફેસ માસ્કની અછત હોઈ શકે છે અને તેને કારણે તેના ભાવમાં ખૂબ જ વધારો થઈ શકે છે.

સાધનોને કેવી રીતે ચેપમુક્ત રાખશો?

દૂષિત સાધનોના મારફતે કોવિડ-19નો ચેપ ફેલાવવાની શક્યતા ઘણી વધારે છે. આથી તમારે તેમને નિયમિત ધોરણે ચોખ્ખા અને ચેપ મુક્ત કરવા જોઈએ.

  • જ્યારે પણ શક્ય બને ત્યારે સુરક્ષિત અંતરથી વાપરી શકાય તેવા ફિશપોલમાઈક્રોફોનનો ઉપયોગ કરો. ક્લિપ માઈક્રોફોનનો ઉપયોગ ફક્ત નિયંત્રિત સંજોગોમાં જ કરો જેમાં હાઈજિનના તમામ પ્રોટોકોલ્સનું ખૂબ જ ચીવટપૂર્વક પાલન થયું હોય.
  • દરેક એસાઈનમેન્ટ પૂરું થયા બાદ માઈક્રોફોનના કવરને ચેપમુક્ત કરો અને ડિટર્જન્ટની મદદથી ઊંચા તાપમાને ધૂઓ. તેનાથી ચેપ ન લાગે તે માટે કવર કેવી રીતે હટાવવું તે માટે માર્ગદર્શન કે તાલીમ લો. શક્ય હોય તો વિન્ડ મફપ્રકારના કવર વાપરવાનું ટાળો. તેને ચોખ્ખા કરવા વધારે મુશ્કેલ છે.
  • શક્ય હોય ત્યારે ઓછી કિંમતના ઈયરપીસનો વપરાશ કરો અને તેનો ડિસ્પોઝેબલની જેમ જ ઉપયોગ કરો, ખાસ કરીને મહેમાનો માટે આવા જ ઈયરપીસ વાપરો. ઉપયોગ કરતા પહેલા અને પછી તમામ ઈયરપીસ લૂછો અને ચેપમુક્ત કરો.
  • લોકેશન પર સુરક્ષિત અંતર જાળવવા માટે દૂરનું સ્પષ્ટ દેખાય તેવા લેન્સનો ઉપયોગ કરો.
  • શક્ય હોય તો કેબલ વિનાના મોબાઈલ ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરો.
  • તમે એસાઈનમેન્ટ સમયે તમારા સાધનો કેવી રીતે સ્ટોર કરશો તેની પણ કાળજી રાખો. કોઈપણ વસ્તુ ખુલ્લી કે ગમે ત્યાં ન મૂકી દો. ઉપયોગ પછી બધું જ પાછું તેની જગ્યાએ મૂકીને બંધ કરી દો. (દા.ત, સાધનો રાખવા થોડા મજબૂત કેસનો ઉપયોગ કરો જે આસાનીથી લૂછી કે સાફ કરી શકાય).
  • જો અનુકૂળ અને શક્ય હોય તો સાધન વાપરતી વખતે તેની આસપાસ પ્લાસ્ટિક વીંટાળીને રાખો. આમ કરવાથી સાધનની સપાટી દૂષિત થવાનો ભય નહિ રહે અને તેને ચોખ્ખી કે ડિસઈન્ફેક્ટ કરવામાં સરળતા રહેશે.
  • તમારી સાથે ફૂલ ચાર્જ કરેલી એક્સ્ટ્રા બેટરી રાખો. રિપોર્ટિંગની સાઈટ ઉપર ચાર્જ કરવાનું ટાળો. આમ તમે એક વધારાની આઈટમને વાયરસથી દૂષિત થતા બચાવી શકો છો.
  • હંમેશા બધા જ સાધનોને ખૂબ ઝડપથી અસર કરતા એન્ટિ માઈક્રોબિયલ વાઈપ્સ જેવા કે મેલિસેપ્ટોલથી સ્વચ્છ કરો અને પછી તેને ડિસઈન્ફેક્ટ કરો. તેમાં તમારા સેલફોન્સ, ટેબ્લેટ્સ, લીડ્સ, પ્લગ્સ, ઈયરફોન્સ, લેપટોપ્સ, હાર્ડ ડ્રાઈવ્ઝ, કેમેરા, પ્રેસ પાસ, કોઈ ચીજ સાથે જોડાયેલી દોરી વગેરે તમામનો અને તે ઉપરાંતની ચીજોનો પણ સમાવેશ થાય છે.
  • તમે આ સાધનો પરત કરો ત્યારે તે એકદમ ચેપમુક્ત હોય તે વાતની ખાતરી કરી લો. એ વાતની ખાસ તકેદારી લો કે સાધનોનો ઉપયોગ કરનાર વ્યક્તિને આ અંગે પહેલેથી જાણ હોય અને તેમને આ સાધનો સુરક્ષિત રીતે કેવી રીતે ચેપ મુક્ત કરાય તેની તાલીમ આપવામાં આવી હોય. ખાસ ધ્યાન રાખો કે કોઈપણ સાધન એમ જ પાછું ન મૂકાય કે રઝળતું ન રહે. તેને ચોખ્ખા કરવાની જવાબદારી ધરાવનાર વ્યક્તિ પાસે તે પહોંચે તેની ખાતરી કરો.
  • તમે કામ માટે કોઈ વાહનનો ઉપયોગ કરતા હોવ તો ખાતરી કરો કે કામ પતે પછી વાહન તાલીમ પામેલી ટીમ દ્વારા વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે. દરવાજાના હેન્ડલ, સ્ટિયરિંગ વ્હીલ, બાજુના અરીસા, હેડ રેસ્ટ, સીટ બેલ્ટ, ડેશ બોર્ડબટન, બારી ખોલવાનું હેન્ડલ, કેચ, બટન વગેરેને વ્યવસ્થિત સાફ કરવામાં આવે.

ઈલેક્ટ્રિકલ સાધનો કેવી રીતે સાફ કરશો?

નીચેના મુદ્દા ઈલેક્ટ્રિકલ સાધનો સાફ કરવા અંગે તમને સામાન્ય માર્ગદર્શન આપશે.  તેને સ્વચ્છ કરતા પહેલા ઉત્પાદક દ્વારા અપાતી માર્ગદર્શિકા પૂરેપૂરી વાંચી લો.

  • તેને પ્લગમાંથી કાઢી નાંખો, તેને પાવર આપે તે તમામ સોર્સ, ડિવાઈસ અને કેબલ દૂર કરો
  • તમારા ઈક્વિપમેન્ટથી કોઈપણ પ્રકારના લિક્વિડ દૂર રાખો. તેને સાફ કરવા માટે એરોઝોલ સ્પ્રે, બ્લીચ કે ધારદાર ચીજનો ઉપયોગ ન કરશો.
  • કોઈ પણ ચીજ સીધી ડિવાઈસ ઉપર ન છાંટશો.
  • તેને સ્વચ્છ કરવા બૂઠા, મુલાયમ અને રૂંછા ન લાગે તેવા કાપડનો ઉપયોગ કરો.
  • કાપડને સહેજ જ ભીનું કરો, તેને આખુ ન પલાળશો. કાપડ પર થોડો સાબુ ઉમેરો અને ડિવાઈસને હાથથી પકડીને કાપડમાં ઘસો.
  • ત્યાર પછી ડિવાઈસને અનેક વાર ઘસીને લૂછો.
  • કોઈપણ ખુલ્લા ભાગમાં ભેજ ન રહી જાય તેની ખાતરી કરો (જેમ કે ચાર્જિંગ સોકેટ, ઈયર ફોન સોકેટ, કી બોર્ડ વગેરે).
  • તમારા સાધનને ચોખ્ખા, મુલાયમ અને કોરા કપડાથી સાફ કરો.
  • અમુક ઉત્પાદક મજબૂત અને છિદ્રાળુ ન હોય તેવી સપાટી માટે 70 ટકા આઈસોપ્રોપિલ વાઈપ્સનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
  • તમારા સાધનોને ડિસઈન્ફેક્ટ કરતા પૂર્વે ઉત્પાદક સાથે ચકાસણી કરી લો. ડિસઈન્ફેક્ટન્ટના ઉપયોગથી તમારા સાધનને નુકસાન પહોંચી શકે છે.

આ આર્ટિકલ મારફતે તમને વધુ વિગતમાં માર્ગદર્શન મળી શકશે.

ડિજીટલ સુરક્ષા

  • એ વાત ધ્યાનમાં રાખો કે કોવિડ-19ના રિપોર્ટિંગના સંદર્ભમાં પત્રકારો સાથે ઓનલાઈન પણ દુર્વ્યવહાર થઈ શકે છે. આ માટે સીપીજે (કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ)ની તમારી જાતને એટેકથી કેવી રીતે બચાવશો તેની માર્ગદર્શિકાને અનુસરો.
  • સરકાર અને ટેક કંપનીઓ કોવિડ-19ના ફેલાવાને ટ્રેક કરવા માટે સર્વેલન્સનો ઉપયોગ વધારી રહી છે. તેમાં NSO ગૃપનો સમાવેશ થાય છે. આ એ જ ગૃપ છે જેણે પેગાસસ નામનું સ્પાયવેર બનાવ્યું હતું. સિટિઝન લેબના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ પત્રકારોને ટાર્ગેટ કરવામાં થયો હતો. નાગરિકોના વિશેષાધિકાર માટે લડતા જૂથોએ ચિંતા દર્શાવી છે કે આ કટોકટી પૂરી થશે પછી આ સર્વેલન્સ ટેકનિકનો ઉપયોગ લોકોને ટાર્ગેટ કરવા માટે થશે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ વૈશ્વિક સ્તરે થતી તજવીજની તેમની વેબસાઈટથી નજર રાખી રહી છે.
  • રિપોર્ટ્સ અનુસાર ગુનેગારો કટોકટીનો ફાયદો ઊઠાવીને લોકો તથા સંસ્થાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. રસીકરણ સાથે પણ અનેક કૌભાંડોને જોડવાનું પણ સાવ સામાન્ય થઈ ગયું છે. કોવિડ-19ની માહિતી ધરાવતી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા અથવા તો ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરતા પહેલા થોડો વિચાર કરજો. ઈલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ હાલ સ્વાસ્થ્યને લઈને સર્જાયેલી કટોકટી અને તેના ભયનો ઉપયોગ ગુનેગારો સંસ્થાઓ અને લોકોને ટાર્ગેટ કરવા માટે અને ફિશિંગ એટેક માટે કરી રહ્યા છે. તેનાથી તમારા ડિવાઈસમાં કોઈ માલવેર કે વાયરસ ઘૂસી શકે છે. સોશિયલ મીડિયા કે મેસેજિંગ એપ પર પણ કોવિડ-19ને લગતી લિંક પર ક્લિક કરતા પહેલા સાવચેતી રાખો. તેનાથી તમારા ડિવાઈસમાં માલવેર ઘૂસી શકે છે. 
  • ઓનલાઈન કોન્ફરન્સિંગ અને તેમાં પ્રાઈવસીની શું સમસ્યા થાય છે તે અંગે વાંચો. તેનાથી તમને એ ખ્યાલ આવશે કે તમારા ડેટાનું તેઓ શું કરી રહ્યા છે, તેમની પાસે કયા ડેટાનો એક્સેસ છે અને તે કેટલા સુરક્ષિત છે. ખાસ ધ્યાન રાખો કે હવે વધુને વધુ લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવાથી આવી ઓનલાઈન કોન્ફરન્સિંગ સર્વિસ પર હેકર્સની નજર રહે છે.
  • જો તમે આપખુદશાહી ધરાવતા દેશમાં કે દેશ વિષે કોવિડ-19 મહામારીનું રિપોર્ટિંગ કરતા હોવ તો સતર્ક રહેજો. આ રિપોર્ટ્સ પર બાજ નજર રખાય છે. અમુક સરકાર મહામારીના ફેલાવાને છૂપાવવાના પ્રયત્ન કરતા હોવાનું અથવા તો મીડિયા રિપોર્ટને સેન્સર કરતા હોવાનું પણ સીપીજેએ જણાવ્યું છે.

કામ દરમિયાન તમારી જાતની રક્ષા કેવી રીતે કરશો?

  • જો તમે કોઈ આંતરરાષ્ટ્રીય એસાઈનમેન્ટ (નીચે જુઓ) માટે ટ્રાવેલ કરતા હોવ તો ત્યાં સિક્યોરિટીની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ કેવી છે તેની જાણકારી મેળવી લો. મહામારીની શરૂઆત થઈ ત્યારથી આખી દુનિયામાં હિંસક ઘટનાઓ અને વિરોધ પ્રદર્શનો થયા છે. તેને કવર કરતા કેટલાંક પત્રકારોને શાબ્દિક હેરાનગતિ કરવામાં આવી છે અને તેમને ટાર્ગેટ પણ કરવામાં આવ્યા છે. આથી પોતાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશો નહિ.
  • ખાસ કરીને તમે ગ્રામીણ વિસ્તારોમાંથી રિપોર્ટિંગ કરતા હોવ તો ખાસ સાવચેત રહો. ત્યાંના સ્થાનિક લોકો બહારના લોકો કોવિડ-19 ઈન્ફેક્શન સાથે લઈને આવે છે તેવી આશંકા સાથે તેમના તરફ ગુસ્સાભર્યું વર્તન કરી શકે છે.
  • જે સ્થળોએ કોવિડ-19 લોકડાઉન લાગુ પડાયું હોય ત્યાં પોલીસ દ્વારા પણ આકરા પગલા ભરવામાં આવ્યા છે. જેમ કે, પોલીસ લોકોને ફટકારે પણ છે અને ટિયર ગેસ પણ છોડે છે. 

કામ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવો પડે તો?

આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પર લાદી દેવાયેલા પ્રતિબંધોને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ હાલ ખૂબ જ પડકારજનક થઈ ગયો છે. જો તમારે પણ કામથી બીજા દેશમાં જવાનું થાય તો તમારે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

  • તમે જે જગ્યાએ જવાના છો ત્યાં હાલ પ્રવાસને લગતા કોઈ પ્રતિબંધ છે કે નજીકના સમયમાં કોઈ પ્રતિબંધ આવી શકે છે કે નહિ તેની ખાતરી કરી લો. તેમાં ખૂબ જ ટૂંકાગાળામાં ફેરફાર પણ થઈ શકે છે.
  • ધ્યાન રાખો કે લોકડાઉનના નિયમો અને કરફ્યુને લગતા નિયમો દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ હોઈ શકે છે. એ વાત નોંધી લો કે સ્થાનિક લોકડાઉનના નિયમોમાં સાવ ટૂંકી કે નજીવી ચેતાવણી સાથે ફેરફાર થઈ શકે છે. આથી સ્થાનિક સોર્સની મદદથી દેશમાં પ્રતિબંધને લગતી હિલચાલ પર નજર રાખો.
  • એ જ રીતે તમે કઈ જગ્યાએથી પાછા ફરો છો તેના આધારે ક્વોરન્ટાઈન થવાના કે પાછા ફરવાના નવા નિયમો બની શકે છે અથવા તો હાલના નિયમોમાં નજીવી પૂર્વચેતાવણી સાથે ફેરફાર થઈ શકે છે. યુ.કે અને સ્પેનથી પાછા ફરતા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
  • તમે જે વિસ્તારમાં કામ કરી રહ્યા છો ત્યાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે કેવી સુવિધા છે તેની ખબર રાખો. ઘણીવાર સ્વાસ્થ્યકર્મીઓ કોઈપણ પૂર્વચેતાવણી વિના હડતાળ કે વિરોધ પર ઉતરી આવે તેવું પણ બની શકે છે.
  • PPE કિટ મર્યાદિત સંખ્યામાં જ ઉપલબ્ધ હોય, ન હોય અથવા તો ઉતરતી ગુણવત્તાની હોય તેવું બની શકે છે. એસાઈનમેન્ટ હાથ ધરતા પહેલા જ PPE ઉપલબ્ધ છે કે નહિ તે અંગે પૂરતી ચકાસણી કરી લો. જરૂરી જણાય તો તમારી સાથે તેનો સપ્લાય પણ લઈને જ જાવ.
  • જો અનુકૂળ હોય તો એસાઈનમેન્ટ પર જતા પહેલા કોવિડની રસી લઈ લો. ખાતરી કરો કે તમે જ્યાં જવાના છો તે સ્થળ માટે તમે જરૂરી રસી લીધી હોય અને રોગ થતો અટકાવવા જરૂરી તમામ તકેદારી તમે રાખી હોય.
  • તમારી ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પોલિસી ચેક કરી લો. તેમાં કોવિડ-19ને લગતા ટ્રાવેલ માટે ઈન્શ્યોરન્સ કવર ન મળતું હોય તેવું બની શકે છે. એ વાતનું ધ્યાન રાખો કે ઘણી સરકારોએ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ રોકવા માટે જુદા જુદા સ્તરે સલાહ અને ચેતાવણી જાહેર કરી છે.
  • તમે જે પ્લાન કે ઈવેન્ટનો ભાગ હોવ તેનું સ્ટેટસ સતત ચેક કરતા રહો. હાલ વિશ્વના અનેક દેશો લોકો મોટી સંખ્યામાં ભેગા થાય અથવા અમુક સંખ્યા કરતા વધુ લોકો ભેગા મળે તેના પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.
  • આખી દુનિયામાં ઘણા દેશોની સરહદો હાલ બંધ કરી દેવામાં આવી છે. જે સરહદો ખૂલે છે તે પણ નજીવી વોર્નિંગ સાથે બંધ થઈ શકે છે. તમારે આયોજન કરતી વખતે આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ.
  • જો તમે બીમાર હોવ તો પ્રવાસ કરવાનું ટાળો. મોટા ભાગના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ તથા ટ્રાન્સપોર્ટેશન હબ હેલ્થ સ્ક્રીનિંગના નિયમોનું કડકાઈથી પાલન કરે છે.
  • ન્યુઝ રિપોર્ટ્સ અનુસાર કોવિડ-19ને કારણે ઘણી એરલાઈન્સ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. આથી એવી ટિકિટ ખરીદો જે કેન્સલ કરાવો તો પણ રિફંડ મળી શકે.
  • તમે જે જગ્યાએ જવા માંગતા હોવ ત્યાં વિઝાની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે તેનો ક્યાસ કાઢી લો. ઘણા દેશોએ વિઝા આપવાનું બંધ કરી દીધું છે.
  • એ વાત ચકાસી લો કે તમે જે દેશમાં જવાના છો ત્યાં તમને કોવિડ-19 નથી તે માટે કોઈ સર્ટિફિકેટની જરૂર પડે છે કે કેમ.
  • આખા વિશ્વના એરપોર્ટ્સ પર હેલ્થ સ્ક્રીનિંગ અને ટેમ્પરેચર ચેક પોઈન્ટ્સ ચાલે છે. રેલવે સ્ટેશન, પોર્ટ/ડોક્સ, લાંબા અંતરની બસો માટે પણ હેલ્થ સ્ક્રીનિંગ અને ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યા છે. આથી તમે જ્યારે તમારો પ્રવાસ પ્લાન કરો તો તેના માટે થોડો વધારે સમય ફાળવો.

કામ પૂરું થાય પછી શું કરશો?

  • માંદગીના કોઈ લક્ષણ તો નથી ને તે ચકાસવા સતત પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખો.
  • જો તમે કોઈ એવી જગ્યાએથી આવતા હોવ જ્યાં કોરોનાના કેસ ઘણા વધારે હોય તો તમારે તમારી જાતને આઈસોલેટ કરવી જ પડશે. જે-તે સરકારની સૂચના શું કહે છે તે પણ ચકાસી લો.
  • કોવિડ-19 અંગે છેલ્લામાં છેલ્લી અપડેટ અને માહિતી પર નજર રાખો. તમે જ્યાંથી ગયા હતા અને જ્યાંથી આવ્યા છો તે બંને જગ્યાએ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન માટે શું પ્રક્રિયા છે તે પણ જાણી લો.
  • તમે જે દેશમાં છો ત્યાં ઈન્ફેક્શન કેટલી ઝડપથી  ફેલાય છે તે ધ્યાનમાં લઈને તમારે એક ડાયરી બનાવવી જોઈએ જેમાં તમે પાછા ફર્યા પછીના 14 દિવસમાં જેના જેના સંપર્કમાં આવ્યા હોવ તેના નામ અને નંબર લખવા જોઈએ. આનાથી જો તમને કોઈ લક્ષણ દેખાય તો ચેપ લાગવાની શક્યતા હોય તેવા બીજા લોકોને શોધવામાં સરળતા પડે.

જો તમને લક્ષણો દેખાય તો શું કરશો?

  • તમને કોવિડ-19ના ગમે તેટલા હળવા લક્ષણો દેખાય તો પણ તમારી મેનેજમેન્ટ ટીમને જાણ કરો અને તેમની સાથે વાતચીત કરીને તમે એરપોર્ટ કે વાહનવ્યવહારના બીજા માધ્યમથી ઘરે સુરક્ષિત કેવી રીતે પહોંચી શકો તેની વ્યવસ્થા કરો. સીધા ટેક્સી પકડીને ઘરે પહોંચવાની ભૂલ ન કરશો.
  • WHO,CDC અને સ્થાનિક આરોગ્ય સંસ્થાઓની સલાહને અનુસરો. તમારી જાત અને તમારી આસપાસના લોકોની રક્ષા કરો.

તમને લક્ષણો દેખાય તો કમ સે કમ સાત દિવસ સુધી ઘર છોડીને ન જાવ ( આ સમય કેટલો હોવો જોઈએ તેના માપદંડ તમારી સરકારની સલાહ પ્રમાણે બદલાઈ શકે છે).

  • આગળનું આયોજન કરો અને મદદ માંગો. તમારે જે ચીજો જોઈએ તેના માટે તમારા સહકર્મી, મિત્રો કે પરિવારજનોની મદદ લો અને તેમને તે ચીજો તમારા દરવાજાની બહાર મૂકી જવા કહો.
  • તમારા ઘરમાં સાથે રહેતા લોકોથી જણાવ્યા મુજબનું સુરક્ષિત અંતર જાળવો. શક્ય હોય તો એકલાં જ સૂવો.

સીપીજેની ઓનલાઈન સેફ્ટી કિટ પત્રકારો અને ન્યુઝ રૂમ્સને શારીરિક, ડિજિટલ અને માનસિક સુરક્ષા જાળવવાના સ્રોત અને સાધનો અંગે, તથા દેશમાં ચાલતી ઉથલપાથલ કે ચૂંટણી વગેરેને કવર કરતી વખતે સુરક્ષિત રહેવા અંગે પ્રાથમિક માહિતી પૂરી પાડે છે.

 (તંત્રી માટે નોંધઃ આ સૂચના મૂળ 10 ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને તેમાં સમયાંતરે સુધારા કરવામાં આવી રહ્યા છે. ટોચમાં તેની પ્રકાશિત થવાની તારીખ તેમાં અદ્યતન સુધારા ક્યારે થયા હતા તેની જાણ કરે છે.)